
પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શું પોતાની બહેન માટે અમેઠી લોકસભા સીટ છોડશે? કોંગ્રેસના વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના સૌથી મજબૂત ગઢ મનાતા છિંદવાડા લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી શકે છે અને પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે, જ્યારે રાયબરેલીથી સોનિયા ગાંધી જ ચૂંટણી લડશે.
જણાવવામાં આવી રહ્યુ છે કે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ જે 8 વાર છિંદવાડાથી ચૂંટણી જીતી ચૂક્યા છે, તેમણે રાહુલ ગાંધીને ત્યાંથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલની સહમતિ મળ્યા બાદ કમલનાથ ગુરુવારે DAVOSથી આવતા જ ડાયરેક્ટ છિંદવાડા ચાલ્યા જશે. તે ત્યાંનું નિરીક્ષણ કરીને રાહુલ ગાંધીને તમામ જાણકારી આપશે.
ત્યારબાદ, રાહુલ ગાંધી પણ ટૂંક સમયમાં છિંદવાડા જઈ શકે છે. ગણતરી એ છે કે, એક તો છિંદવાડા કોંગ્રેસની સૌથી સુરક્ષિત સીટ છે અને રાહુલ અહીંથી ચૂંટણી લડવા માટે નામાંકન કરીને નિશ્ચિંત થઈને દેશભરમાં ચૂંટણી પ્રચાર કરી શકશે અને છિંદવાડામાં ચૂંટણીનું કાર્ય કમલનાથની ટીમ સંભાળી લેશે.
સાથે જ રાહુલ ગાંધીના અહીંથી લડવાથી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની 40 સીટો પર મોટી અસર પડશે. ત્યાં સુધી કે રાજસ્થાન પણ તેની અસરમાંથી બાકાત નહીં રેહશે. આ ત્રણેય રાજ્યોની કુલ 65 સીટો પર કોંગ્રેસ BJP સામે સીધી ટક્કર લેશે. પાર્ટી આ રાજ્યોમાં બદલાયેલી પરિસ્થિતિઓમાં ઓછામાં ઓછી 50 સીટો જીતવા માંગે છે.