Breaking News
Home / News / રિયોમાં દોડતા-દોડતા બેભાન થઇ ગઈ હતી જૈશા, ભારતનું કોઈ પાણી આપવા માટે…

રિયોમાં દોડતા-દોડતા બેભાન થઇ ગઈ હતી જૈશા, ભારતનું કોઈ પાણી આપવા માટે…

રિયો ઓલિમ્પિક 2016 રવિવારે રાત્રે શાનદાર સેરેમની સાથે પૂરો થઈ ગયો છે. આ સ્પર્ધામાં ભારતને એક સિલ્વર અને એક બ્રોન્ઝ એમ બે મેડલ જ મળ્યા છે. આની પહેલાના બે ઓલિમ્પિકની સરખામણીમાં આ વર્ષે ભારતનું પ્રદર્શન સૌથી ખરાબ હતું. જોકે ઓલિમ્પિકમાં ભારત માટે એક ઘટનાએ દેશને કાળી ટીલી લગાવી દીધી છે.

ઓલિમ્પિકમાં મહિલા મેરેથોન દરમિયાન ભારતીય મહિલા ખેલાડીને પાણી વગર તરસી દોડવાની ફરજ પડી હતી. રેસ દરમિયાન ભારતીય દળની ડેસ્ક પર કોઈ વ્યક્તિ હાજર નહોતી જેના કારણે ભારતીય એથલિટ ઓ.પી. જૈશા અને ટુંગર કવિતાને પાણી પણ પીવા નહોતું મળ્યું. આ સ્પર્ધામાં જૈશા 89 અને કવિતા 120માં સ્થાન પર રહી હતી.


મેરેથોન પૂરી થયા બાદ જૈશા પાણીની તરસને કારણે જમીન પર પડી ગઈ હતી. આ વિશે વાત કરતા તેણે જણાવ્યું હતું કે ‘મેરેથોન દરમિયાન દરેક અઢી કિલોમીટર પર તમામ દેશોના અધિકારીઓ પાણી તેમજ અન્ય રિફ્રેશમેન્ટ સાથે હાજર હતા પણ ભારત તરફથી કોઈ નહોતું. અમારી ડેસ્ક ખાલી હતી. ત્યાં દેશનું નામ અને ઝંડા લાગેલા હતા.

મને ખબર નથી કે મેં પાણી વગર આ રેસ કઈ રીતે પૂરી કરી છે. આયોજક માત્ર 8 કિલોમીટર સુધી જ પાણી અને સ્પંજ ઉપલબ્ધ કરાવે છે. આ પાણી માત્ર 500 મીટર જ ચાલે છે. આ સંજોગોમાં ભારે તડકામાં 30 કિલોમીટર પછી દોડવું અશક્ય બની ગયું હતું જ્યારે મેરેથોનમાં 42.195 કિલોમીટર દોડવાનું હોય છે.’

જૈશાએ માહિતી આપી કે અન્ય દેશોના ખેલાડીઓને ગ્લુકોઝ અને મધ જેવી લક્ઝરી વસ્તુઓ મળી રહી હતી જ્યારે તેને અને કવિતાને પાણી પણ નહોતું મળ્યું. રેસ પૂરી થયા બાદ જૈશા બેહોશ થઈ ગઈ હતી. જૈશાને 2-3 કલાક પછી જ ભાન આવ્યું હતું. તેને સાત બોટલ ગ્લુકોઝ ચડાવવામાં આવ્યું હતું.

જૈશાના આ નિવેદન પછી સ્પોર્ટસ સેલિબ્રિટી હર્ષા ભોગલેએ પણ ટ્વિટર પણ આઘાત વ્યક્ત કર્યો હતો. મેરેથોનના નિયમ પ્રમાણે કોઈ પણ દેશ સત્તાવાર સ્ટેશન સિવાય ચાર જગ્યા પણ પાણી અને રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરી શકે છે. આ સિવાય મેરેથોનમાં દોડનાર કોઈ બીજા એથલેટનો સામાન નથી વાપરી શકતો.

About admin

Check Also

પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું

પાકિસ્તાનમાં હિન્દૂઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું એક મંત્રીને મોંઘુ પડી ગયું હતું. પાકિસ્તાનના મંત્રી ફયાઝુલ હસન …